Welcome to the KSR's Literary Universe

રૂટ ૧
વઘઇ વનસ્પતિ ઉદ્યાન ના દક્ષિણ વિભાગના વૃક્ષો
રૂટ ૧ મુલાકાતીઓને ધ્યાનપૂર્વક પસંદ કરાયેલા પ્રતીકાત્મક વૃક્ષોની વિશેષ શ્રેણી સાથે પરિચિત કરાવે છે, જે વાઘાઈ બોટાનિકલ ગાર્ડનની વનસ્પતિ, સાંસ્કૃતિક અને સૌંદર્યસભર સમૃદ્ધિને રજૂ કરે છે.
આ માર્ગ “દ ગાર્ડન શોપ”, “કેક્ટસ હાઉસ” અને ઔષધીય, બાંસ અને ટ્યુબર જેવા થીમ આધારિત પ્લોટ્સની નજીકથી શરૂ થઈને, તમને ઓળખીતા એવન્યૂ વૃક્ષોથી લઈને વિરલ અને પ્રતીકાત્મક પ્રજાતિઓ સુધી ધીમે‑ધીમે લઈ જાય છે. માર્ગમાં તમે સૌમ્ય અસોપાલવ અને ઊંચા મહોગની, રેન ટ્રીની વિસ્તરેલી છાયા, ઔષધીય વિભાગ નજીકનું આકર્ષક કેલાસપતિ (કેનન બોલ ટ્રી) અને ગુંદા, કાજુ, કોઠું તથા બોરસલી જેવા ઉપયોગી વૃક્ષોને નજીકથી જોવા મળશે. આ માર્ગ દરેક સ્ટેશનને એક અલગ વાર્તા ઉજાગર થાય તે રીતે પસંદ કરવામાં આવ્યું છે—છાંયો અને લાકડાથી લઈને ઔષધીય ગુણધર્મો, પુરાણકથાઓ અને ફળો સુધી—તેથી જ્યારે તમે અંતના સ્ટેશન પર પહોંચો ત્યારે તમે આકાર, ઉપયોગિતા અને લોકકથાઓથી ભરેલા એક જીવંત વર્ગખંડમાં ફરી આવ્યાનું અનુભવ કરો
પરિચય
નમસ્કાર મિત્રો! આપ સૌનું વઘઇ વનસ્પતિ ઉદ્યાનમાં સ્વાગત છે. પેલી મે ૧૯૬૬ના રોજ તત્કાલીન વનઅધિકારીઓ ઉદ્યાન અધિક્ષક, વિજ્ઞાનિયો અને વિદ્વાનો દ્વારા આ ઉદ્યાનની સ્થાપના થઈ હતી જે ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન છે. શું તમે વિચાર્યું છે કે વનસ્પતિ ઉદ્યાન બીજા ઉદ્યાનોથી કઈ રીતે અલગ છે? વનસ્પતિ ઉદ્યાન બીજા ઉદ્યાનોથી જુદાં છે કારણકે તેનો પ્રાથમિક હેતુ જુદી જુદી પ્રજાતિઓની વનસ્પતિઓનું જીવિત સંગ્રહ, સંરક્ષણ અને સંવર્ધન છે. આ વિદ્યાર્થીઓ, વિદ્વાનો, વનકર્મીઓ તથા વનસ્પતિમાં રુચિ રાખતાં સામાન્ય લોકો માટે વનસ્પતિશાસ્ત્રનું પ્રશિક્ષણ કેન્દ્ર છે.
સામાન્યપણે લોકોને બધાં જ વૃક્ષોને એવી રીતે જુવે છે જાણેકે તે બધાંજ સરખાં હોય, પરંતુ એ એકબીજાથી અલગ કયા પ્રકારે છે, તેમનો શું ઉપયોગ છે એ તમને વનસ્પતિ ઉદ્યાનમાં જોવા, જાણવા અને સમજવા મળે છે.
ભારતની પાસે પ્રાકૃતિક વિવિધાતાનો સમૃદ્ધ વારસો છે. દુનિયાના ૧૭ મેગાડાયવર્સ દેશોમાં ભારત એશિયામાં ચોથું અને દુનિયામાં દસમું સ્થાન ધરાવે છે. વિશ્વભરની ૧૧% વનસ્પતિઓ ભારતમાં જોવા મળે છે, જેમાં ૧૭૫૦૦ સપુષ્પી, ૬૨૦૦ સ્થાનિક અને ૭૫૦૦ ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તદઉપરાંત વિશ્વની ભયગ્રસ્ત એવી ૨૪૬ વનસ્પતિઓ પણ છે. આટલી બધી વનસ્પતિઓની વિવિવધાતા વિશ્વના ફક્ત ૨.૪% ભૂમિ ભાગમાં આવેલી છે.
ભારતમાં અંદામાન-નિકોબાર દ્વીપસમૂહો, પૂર્વીય હિમાલય, ઇન્ડો-બર્મા ક્ષેત્ર અને પશ્ચિમ ઘાટ એવા ચાર જૈવવિવિધતાના હોટસ્પોટ્સ આવેલા છે. પશ્ચિમ ઘાટનો ઉત્તરીય પ્રદેશ ગુજરાતનાં ડાંગના જંગલોથી શરૂ થાય છે જે વાંસ માટે પ્રખ્યાત છે.
ભારતના જંગલોને વર્ગીકૃત કરવાની સૌ પહેલા પહેલ ૧૯૩૬ માં ચેમ્પિયને કરી અને ૧૯૬૮ માં શેઠે તેની સમીક્ષા કરી. તેમણે ભારતમાં જંગલોને ઉષ્ણકટિબંધ થી આલ્પાઇન સુધી ૬ પ્રમુખ ખંડો અને ૨૦૦ થી વધારે ઉપખંડોમાં વર્ગીકૃત કર્યા. ચેમ્પિયન અને શેઠના વર્ગીકરણનાં આધારે ઉદ્યાનમાં સદાહરિત, અર્ધપાનખર, પાનખર તથા કાંટાળા જંગલોના અલગ અલગ વિભાગ છે. આ ઉપરાંત ડાંગ પ્લોટ, વાંસ પ્લોટ, કેકટસ અને ઓર્કિડ પ્લોટ જેવા વિવિધ પ્લોટસપણ જોવા મળે છે. ઉદ્યાન હરડે રોડ, રેઇન ટ્રી રોડ, નિલગિરી, બોરસલી, કોઠું રોડનાં ૭.૫ કિલોમીટરનાં લાંબા રસ્તાઓ જાળતંત્રથી જોડાયેલું છે.
હવે તમને વધુ રાહ ન જોવાડાવતા તમને લઈ જઈએ છીએ વનસ્પતિની સફર પર. આવો પ્રકૃતિની તરફ પાછાં જઈએ, પ્રકૃતિથી પ્રેમ કરીએ અને વનસ્પતિની દુનિયામાં છૂપાયેલા ખજાનાને જાણીએ વઘઇ વનસ્પતિ ઉદ્યાનના દક્ષિણ વિભાગનાં વૃક્ષો સાથે.
સ્ટેશન ૦૦
પરિચય


તમે બધાં અત્યારે વનસ્પતિ ઉદ્યાનના પ્રવેશ દ્વાર પર છો. જેની બન્ને તરફ આવેલા સીધાં મજબુત વૃક્ષો પોતાની ચળકતી લહેરાતી લીલી ડાળીઓથી તમારું અભિવાદન કરી રહ્યાછે.
આ આસોપાલવના વૃક્ષો છે. તેમના થડ સીધા અને મજબુત હોવાના કારણે તેને મસ્તુલ ના રૂપમાં તથા વહાણના માટેના થાંભલા બનાવવા ઉપયોગ થતો હતો . તેથી આ વૃક્ષને અંગ્રેજીમાં ઇન્ડિયન માસ્ટ પ્લાંટ પણ કહે છે.
ચીડના વૃક્ષની જેમ શંકુ આકારનું આ વૃક્ષ ખિસકોલી, ચામાંચિડિયાં, પતંગિયાં અને અન્ય જીવોનું ઘર છે. ભારતમાં તેનાં પાંદડાનો ઉપયોગ કેરીના પાનના વિકલ્પ માં સુશોભન માટે થાય છે. આ વૃક્ષને ઘણીવાર અશોક વૃક્ષના રૂપમાં ખોટું સમજવામાં આવે છે, કે જેનો રામાયણમાં અશોકવાટિકામાં ઉલ્લેખ કરેલ છે. આ કારણે તેને અંગ્રેજીમાં ફોલ્સ અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષના વૈજ્ઞાનિક નામ પોલિઆલથીયા લોંજીફોલિયા જેનો અર્થ લાંબા પાંદડાવાળું વૃક્ષ છે.
સ્ટેશન ૦૧
આસોપાલવ


શું તમે એક એવી વનસ્પતિને ઓળખો છો કે જેનાં પાનમાંથી બાસમતી ચોખા જેવી સુગંધ આવતી હોય! એક વનસ્પતિ કે જેના પાનનો રસ પાણીને જમાવી દે અને એક એવું પાન કે જેને ચાવવાથી તમે તમારો સ્વાદ ખોઈ બેસો? જો ના, તો તમે અહીં એ વનસ્પતિઓ વિશે માહિતી મેળવી શકો છો. તમારી સામે એક સુંદર કુટીર છે. આ ‘ધ ગાર્ડન શોપ’ છે. ૨૦૧૯ માં સ્થપાયેલ આ દુકાન મુલાકાતીઓ માટે ઔષધીય, બીજી વનસ્પતિઓ, બગીચાનાં ઉપકરણો તથા અલગ અલગ પ્રકારના નકશીકામ કરેલા કુંડાઓની ખરીદીનું મહત્ત્વનું ઠેકાણું છે. અહીં ઉદ્યાનમાંથી એકત્રિત કરેલાં બીજ પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. એક વખત તમે આની પણ મુલાકાત લો.
સ્ટેશન ૦૨
દ ગાર્ડન શોપ


ગાર્ડન શોપની બાજુમાં તમારી સામે છ ઘેરા લાલ-કથ્થઇ રંગનાં વૃક્ષો દેખાય છે. આ વૃક્ષો મહોગનીનાં છે. આ વૃક્ષોનું મૂળ વતન દક્ષિણ અમેરિકા અને મેક્સિકો છે, ત્યાંથી તે આફ્રિકા, એશિયા અને પ્રશાંત મહાસાગરના ટાપુઓ સુધી આવ્યા. આની જાણ સત્તરમી સદીમાં થઈ અને ત્યારથી તે કેબિનેટ બનાવવાવાળા માટે પ્રિય રહ્યું છે. આ વૃક્ષનું લાકડું ખારાપાણીનું પ્રતિરોધક છે અને તેથી વહાણની બનાવટમાં તેનાં લાકડાંનો ઉપયોગ થતો. હાલમાં તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. ભારત જેવા શુષ્ક આબોહવામાં પણ તેનો ઉછેર થાય છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ સ્વીટેનિયા મેક્રોફાયલા છે. આ વૃક્ષનાં ફળ ઉપર આકાશની તરફ ઊગે છે આથી તે સ્કાય ફ્રૂટ તરીકે ઓળખાય છે. વાટેલી ફળની છાલ કુંડામાં માટી સાથે તથા વૃક્ષની છાલ ગુંદર રંગકામ અને ચામડું ચમકાવવામાં ઉપયોગી છે.
સ્ટેશન ૦૩
મહોગની


ઉદ્યાનના કેકટસ હાઉસમાં ૧૦૦ થી વધારે કેકટસની પ્રજાતિઓ જોવા મળે છે. કેકટસ એ રણ જેવા શુષ્ક પ્રદેશમાં ઊગતી વનસ્પતિનો પ્રકાર છે. ઘણા લોકો પોતાના ટેબલ પર કેકટસ રાખવાના શોખીન હોય છે, કારણકે તેને શુભ માનવામાં આવે છે. આ કેકટસમાંથી એક ‘થોર’ સરળતાથી ઉપલબ્ધ છે. જે આકારમાં ચપટું અને કાંટા ધરાવે છે. તેનાં પુષ્પો ચળકતાં પીળાં અને ફળ જાંબલી-ગુલાબી રંગના ગોળ હોય છે. એના ફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આ ઉદ્યાનનું પુસ્તકાલય ફ્લોરા, વઘઇ વનસ્પતિ ઉદ્યાનની સચિત્ર વનસ્પતિઓ, વનવિજ્ઞાનનાં પુસ્તકો, પુષ્પધારી વનસ્પતિઓ, બાગાયતવિદ્યા આવા ઘણા બધા વિષયોને આવડી લેતા સેંકડો પુસ્તકો ધરાવે છે.
પુસ્તકાલયની બાજુ માં અને રસ્તાના અંત માં તમારી સામે રેનટ્રી રોડ, ડાબી બાજુ ટાક્ષોનોમી અને જમણી બાજુ મેડીસીનલ પ્લોટ છે. ટાક્ષોનોમી એટલે વર્ગીકરણવિદ્યા જેમાં સજીવનું જુદાં જુદાં પાસાંઓને ધ્યાનમાં રાખીને નામકરણ અને વર્ગીકરણ કરવામાં આવે છે. આ પ્લોટમાં ચંદ્રફળ, કુસુમ અને ચૂકરાસિયા જેવાં વૃક્ષોપણ જોવા મળે છે.
સ્ટેશન ૦૪
કેકટસ હાઉસ, પુસ્તકાલય અને ટેકસોનોમી પ્લોટ


કોઈ વરસાદના છાંટા તમારી પર પડી રહ્યા હોય એવું તમને લાગી રહ્યું છે? જો હા, તો તમે આ વૃક્ષને ઓળખવાની ખુબ નજીક આવી ગયા છો. આ મોટું વૃક્ષ કે જેની નીચે તમે ઊભા છો એ રેઇન ટ્રી તરીકે ઓળખાય છે. આ નામનાં બે કારણો છે : પહેલું ઉત્સવેદન કે જે વધારે પડતાં પાણીને પર્ણ દ્વારા દૂર કરે છે. બીજું, રાત્રિ દરમ્યાન તેના પાનનું બંધ થવું. આ કારણે વરસાદનું પાણી નીચે ઘાસ પર પડે જેથી આ વૃક્ષની નીચેનું ઘાસ આસપાસના ઘાસથી વધારે લીલું દેખાય છે. આ વૃક્ષ લજામણી વનસ્પતિના કુળનું છે. તેથી શું તેથી આના પાંદડા બંદ થઈ જાય છે? શું સ્પર્શ કરવાથી આ વૃક્ષ પાંદડા બંદ ઠ જાય છે? તમે જાતેજ આના પાંદડાઓને સ્પર્શ કરીને ચકાસો. અને હા એના ગોળ જેવા મીઠા પાકેલાં ફળનું સ્વાદ લેવાનું ભુલશો નઇ
સ્ટેશન ૦૫
રેન ટ્રી


આપણી સફરમાં હવે પછીનું વૃક્ષ છે બુદ્ધ કોકોનટ,. શું તમે અંદાજો લગાવી શકો છો કે આ ઝાડ એવું કેમ કહેવાય છે? આ વૃક્ષના નાળિયેર જેવાં ફળના કારણે તે આ નામે ઓળખાય છે. એનું મૂળ વતન છે ભારત, ઉપરાંત આ વૃક્ષ દક્ષિણ પૂર્વ એશિયામાં પણ જોવા મળે છે. સાંકડા શંકુ આકારના મુગટ જેવા દેખાતા આ વૃક્ષમાં માર્ચ થી જૂન મહિનામાં પુષ્પ અને ફળ આવે છે. આ વૃક્ષનો ઉપયોગ ખોરાક, ઔષધિ, તેલ અને લાકડાં માટે થાય છે. આ વૃક્ષ સિંગાપોરનું હેરિટેજવૃક્ષ છે.
ડાયવર્સીફોલિયા નામની વૃક્ષની જાતમાં કોઈ પણ પાન સરખાં નથી હોતા, આથી આ વૃક્ષ અંગ્રેજીમાં ‘મૈડ ટ્રી’ તરીકે ઓળખાય છે. તેનું લાકડું હલકું અને બરછટ રેસાવળું હોવાથી ચાની પેટીઓ અને માચીસની પેટીઓમાં પણ વપરાય છે. ઉત્તર પૂર્વીય ભારતમાં આ વૃક્ષનાં બીજ શેકીને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્ટેશન ૦૬
બુદ્ધા કોકોનટ


બરછટ ફાટેલી કથ્થાઇ છાલ, ચળકતા લીલા ચર્મીય પાન અને થડ કે જે જાડાં દોરડાંમાંથી નીકળતા સુંદર ગુલાબી પુષ્પો જાણે શિવલિંગ ઉપર નાગની છત્રછાયા હોય એવા દેખાતા હોવાથી આ ઝાડ નાગલિંગમ તરીકે પણ ઓળખાય છે.. આના ફળ પહેલાના સમયમાં વપરાતા તોપના ગોળા જેવા લાગતાં હોવાથી અંગ્રેજીમાં તે ‘કેનન બોલ ટ્રી’ તરીકે ઓળખાય છે. આ ફળ લાલ કથ્થાઇ રંગના લાકડાં જેવા તથા ૨૦ સેન્ટિમીટર સુધીનો વ્યાસ ધરાવે છે. હિન્દીમાં આ વૃક્ષ કૈલાશપતિ અથવા શિવલિંગી તરીકે ઓળખાય છે. પુષ્પો શિવ ભગવાનની પૂજામાં વાપરાય છે. આ વૃક્ષને વહેલી સવારે જોવું એ શુભ માનવામાં આવે છે. આનું લાકડું પોચું અને તીવ્ર ગંધ ધરાવે છે જે પશુઓના ચામડીના રોગોની સારવારમાં વપરાય છે. આ વૃક્ષનાં વૈજ્ઞાનિક નામ કોરોપિટા ગુઈએનેનસિસ છે એનો ઉદ્ભવ ગ્વાના નામના દક્ષિણ અમેરિકાના દેશ માંથી થયેલો છે.
સ્ટેશન ૦૭
કૈલાસપતિ – નાગલિંગમ


પ્રાચીન કાળથી જ ઔષધીય વનસ્પતિઓ માનવજાતના આરોગ્યને જાળવવામાં અને સુખાકારી જીવન જીવવા માટે અગત્યની રહેલી છે. પહેલાના સમયથી અનેક ચિકિત્સા પધ્ધતિઓ વિશ્વના જુદાં જુદાં ભાગોમાં ફૂલી અને ફાલી છે જેમકે ચાઈના, ગ્રીસ, યુરોપ, આફ્રિકા અને ઘણી બધી જગ્યાઓ .
વઘઇ વનસ્પતિ ઉદ્યાનનો મેડીસીનલ પ્લોટ ગુજરાતમાં જોવા મળતી વિવિધ ઔષધીય વનસ્પતિઓ ધરાવે છે, જેમકે જે મૂત્રને લગતી બીમારીઓના ઉપચાર માટે વપરાતો સરગવો, ડાયાબિટીસ માટેની મધુનાશીની, પેટ સંબંધી રોગો માટેની મરડાસિંગ, અનંતમૂળ, કંકાચિયો , કોકમ, બ્લેક કરંટ ટ્રી આના જેવા ઘણા બધા મહત્ત્વપૂર્ણ વનસ્પતિયો અહી જોવા મળે છે. મેડીસીનલ પ્લોટ અને આરોગ્યવનને જાણવાની પણ એક અલગ સફર છે. આ સફર મેડીસીનલ પ્લોટની વિવિધ વનસ્પતિઓની ઝલક, તેમનો ઇતિહાસ અને ઉપયોગ વિશે માહિતી આપશે.
સ્ટેશન ૦૮
મેડિસીનલ પ્લોટ


મેડીસીનલ પ્લોટની ઉત્તર દિશામાં નીલગિરી વૃક્ષોની હારમાળા આવેલી છે. આ વૃક્ષો મૂળ ઓસ્ટ્રેલિયાના છે. આ વૃક્ષો ઇ.સ. ૧૭૯૦માં ટીપુ સુલતાનને તેમના ફ્રાંસના સાથીઓ તરફથી ભેટમાં મળ્યાં હતાં. આ વૃક્ષનો ઉછેર તેના પાન માટે કરવામાં આવે છે. તે તાવ, ચેપ, શરદી, જંતુનાશક અને ગળું છોલાતું હોય તેવા સમયે ઉપયોગ કરવામાં આવે છે. ખૂબજ ઔષધીય ગુણો ધરાવતા હોવા છતાં ખુબ મોટા પ્રમાણમાં પાણીનું શોષણ કરતાં હોવાથી આનું વૃક્ષારોપણ પારિસ્થિતિક સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ વૃક્ષ સ્થાનિક વનસ્પતિઓની વૃધ્ધિ અટકાવે છે. ભીનાશવાળી જમીનને શુષ્ક બનાવવા આ વૃક્ષનો ઉછેર ઉપયોગી થઈ શકે છે. સુપ્રસિદ્ધ શબ્દ યુકેલિપ્ટસ લેટિન ભાષાથી લીધેલો છે, જેમાં યુ નો અર્થ સારી રીતે અને કેલિપ્ટસનો અર્થ ઢંકાયેલું થાય છે. કુમળી અવસ્થામાં પુષ્પની કળીઓ વજ્રપત્રથી ખૂબ સારી રીતે ઢંકાયેલી હોવાથી યુરોપિયન વનસ્પતિશાસ્ત્રીઓએ યુકેલિપ્ટસ નામ આપ્યું. બાળકો આની કળીઓથી ઘણીવાર ભમરડાંની જેમ રમતાં હોય છે.
સ્ટેશન ૦૯
નિલગિરી


અહીં વાવેલાં વૃક્ષો ગુંદા ના છે. કેમ એવું નામ? એક ફળ તોડી અને દબાવો તો તમને જાણ થઈ જશે. આ ફળ ચીકણું દ્રવ્ય ધરાવે છે જે ગુંદરની બનાવટમાં ઉપયોગી છે. ઉપરાંત એ બંધક, કૃમિનાશક, મૂત્રવર્ધક, પીડાનાશક અને કફનાશક છે. ફળનો ગર્ભ સ્વાદમાં મીઠો અને પારદર્શક હોય છે. કાચા ફળોમાંથી અથાણું અને પાનમાંથી શાક બનાવવામાં આવે છે. અંગ્રેજી માં આ ઇંડિયન ચેરી તથા સૌકેટ બેરીનાં નામે ઓળખાય છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ કોર્ડીયા ડાયકોટોમા છે જેમાં જાતિનું નામ જર્મન વનસ્પતિસાસ્ત્રી વી. કોર્ડસના નામ પરથી આપવામાં આવ્યું છે અને પ્રજાતિનું નામ તેની દ્વિભાજીત શાખાઓને લગતું છે. આ વૃક્ષમાં માર્ચથી એપ્રિલમાં પુષ્પ તથા એપ્રિલ થી જૂન સુધી ફળ આવે છે.
સ્ટેશન ૧૦
ગુંદા


તમારાં માટે દુર્લભ શું છે? શામાટે દુર્લભ છે? અને તમે એનું સંરક્ષણ કેવી રીતે કરશો? તમારી સામે ક્યાં ક્યાં ખતરાઓ છે અને તમે એમનો સામનો કેવી રીતે કરશો? જરા વિચારો…...ટૂંકમાં આરઇટી કહેવાતું આ પ્લોટ રેર અર્થાત દુર્લભ, એનડેન્જર મતલબ કે નાશ:પ્રાય અને થ્રેટેન્ડ અર્થાત ભયગ્રસ્ત વનસ્પતિઓને સમર્પિત છે. પસાર થતાં દરેક દાયકામાં આપણે કેટલીક પ્રજાતિઓ ખોઈ રહ્યાં છીએ. આપણે લુપ્ત થતી પ્રજાતિઓને પાછી લાવવા સક્ષમ નથી પરંતુ આરઇટી પ્રજાતિઓએ એક આશાની કિરણ છે. તેઓને બચાવી અને રક્ષિત કરી શકાય છે. આરઇટી પ્લોટની વિરુદ્ધ દિશામાં બીજો પ્લોટ ઔષધીય વનસ્પતિઓને માટેનો છે. આ આરોગ્યવનને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વહેંચણી કરેલ છે. આની અંદર ઉગાડવામાં આવેલ વનસ્પતિઓની માહિતી બૉર્ડ પર આપવામાં આવેલ છે. તમે આની અવશ્ય મુલાકાત લો.
સ્ટેશન ૧૧
આર ઈ ટી પ્લોટ અને આરોગ્યવન


આ રસ્તાની આસપાસ લગાવેલ વૃક્ષોને ઇન્દ્રજવ કહેવાય છે. જવ જેવા બીજ હોવાના કારણે એને ઇન્દ્રજવ નામ આપવામાં આવ્યું. અને અંગ્રેજીમાં ઇસ્ટર ટ્રી કેહવાય છે. આ વૃક્ષનો ઉદભવ સ્થાન ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને ભારતીય ઉપખંડ છે. તેનુ વૈજ્ઞાનિક નામ હોલોરાઇના પ્યુબેસેન્સ છે. હોલોરાઇના નામ બે ગ્રીક શબ્દો પરથી ઉદભવ્યું છે જેમાં હોલોનો અર્થ આખું અને રાઈના એનો અર્થ પુરુષ એવું થાય છે.હોલોરાઇના અર્થાત સંપૂર્ણ પુરુષ. આ વનસ્પતિનો ઉપયોગ જુના અતિસાર, તેની છાલનો ઉપયોગ હરસ અને બીજી પાચનસંબંધી તકલિફોની સારવારમાં થતો હોવાથી તેનું સમાનાર્થી નામ હોલોરાઇના એન્ટીડાયસેન્ટરીકા છે. ચામડીનાં રોગોની સારવારમાં તેની છાલ ગૌમુત્ર સાથે મિશ્ર કરીને લગાડવામાં આવે છે. મુત્રને લગતી સમસ્યાઓમાં છાલનો પાઉડર બનાવી ગાયના દૂધ સાથે તેને લેવામાં આવે છે.
સ્ટેશન ૧૨
ઇન્દ્રજવ


શું તમે કોઈ દિવસ ઝાડમાંથી કાજુ તોડીને ખાધાં છે? જો તમારો જવાબ હા છે તો તમે જાણતા જ હશો કે તેને કઈ રીતે ખાવાના હોય. જો ના જાણતા હો તો ચાલો હું તમને જણાવું. કાજુને તમે સીધા ઝાડમાંથી તોડીને ખાઈ શકતાં નથી. તે ઝેરી રસાયણો ધરાવતાં હોવાથી તેમને ખાવા પહેલા બાફવા કે ઊકાળવા પડે. ઉષ્ણકટિબંધીય આફ્રિકાનું સ્થાનિક એવું આ વૃક્ષ ૧૬મી સદીમાં પોર્તુગિઝ વેપારીઓ દ્વારા ભારત લાવવામાં આવ્યું હતું, ત્યારથી કાજુ લગભગ દરેક મીઠાઈમાં જોવા મળે છે. આ કાજુ ડ્રાયફ્રૂટમાં સૌથી અગત્યનો ભાગ છે. આ વૃક્ષ કેરીના કુળ એનાકાર્ડીએસીનું છે. વનસ્પતિશાસ્ત્રીઓએ નોધ્યું છે કે આ કુળના લગભગ બધાંજ સદસ્યો તેમના પાનમાં કાચી કેરી જેવી ગંધ ધરાવે છે. કાજુ ના ઝાડ પર ફળ એપ્રિલ અને મે માસ માં આવે છે.
સ્ટેશન ૧૩
કાજુ


જો હું તમને પૂછું કે કઈ વનસ્પતિનું તમે વધારે સેવન કરો છો અથવા સાદી ભાષામાં પૂછું તમારો મુખ્ય ખોરાક શું છે તો તમે ઉત્તર કદાચ એવો આપશો કે ઘઉં, ચોખા, બાજરી કે જુવાર..બરાબર ને? આ બધીજ વનસ્પતિઓ ઘાસનાં કુળની વનસ્પતિઓ છે. આ કુળ સૌથી મોટું અને વિશ્વમાં દસ હજારથી વધારે પ્રજાતિઓ ધરાવે છે. વાંસ પણ આ કુળની વનસ્પતિ છે. વઘઈ વનસ્પતિ ઉદ્યાનમાં ૪૫થી વધારે વાંસની પ્રજાતિઓ સ્થાનિક પ્રજાતિઓ સાથે જોવા મળે છે. મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં વાંસની મહત્ત્વની ભુમિકા રહી છે. વાંસ ની અલગ અલગ પ્રજાતિયોમાં ૧૦ થી ૩૦ વર્ષે ફૂલ આવે છે અને બીજ આવ્યા બા એ મૃત્યુ પામે છે. વાંસ ના ચોખા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડાંગના લોકો વાંસનો અથાણું, ચટણી અને શાકભાજી બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. કોટવાડિયા એ દક્ષિણ ગુજરાત ની એકમાત્ર આદિવાસી જાતિ છે જે પરંપરાગત વાંસ સંસ્કૃતિસાથે હજી પણ સંકડાયેલી છે. તેઓ વાંસમાંથી જુદી જુદી કલાકૃતિઓ અને રમકડાં પણ બનાવે છે. આ બધીજ કલકૃતિયો સોવેનિયર શોપ અને ડાંગ બાંબુ હટમાં ઉપલબ્ધ છે.
દુર્લભ, નાશ:પ્રાય અને ભયગ્રસ્ત વનસ્પતિઓનો નિયંત્રિત વાતાવરણમાં જયાં ઉછેર થાય છે એ નર્સરી પ્લોટ આ વનસ્પતિ ઉદ્યાનની પાછળની બાજુએ છે. મુલાકાતીઓ આ વનસ્પતિઓ ગાર્ડન શોપમાંથી ખરીદી શકે છે.
સ્ટેશન ૧૪
વાંસ પ્લોટ અને નર્સરી


હવે તમે આ સફરના સૌથી રસપ્રદ ભાગમાં આવ્યા છો. આ વૃક્ષ જે તમારી સામે દેખાય છે. તેનો એક પાન તોડી અને તેને થોડું મસળો. હવે તેને સુગંધ લો. અરે એ જરા સ્વાદ એનો ચાખી તો જુવો. તેનો સ્વાદ અને ગંધ કોણ જેવો લાગે છે? શું આ એ વસ્તુ છે જે તમે ભોજન પછી લો છો? તમારી સામેનું આ વૃક્ષ કોઠું છે. આ વૃક્ષ દક્ષિણ ભારતનું સ્થાનિક છે. આ વૃક્ષ તેના માવાદાર અને કઠણ ગોળ ફળ માટે જાણીતું છે. તે રક્તસ્રાવને નિયંત્રિત કરે છે. તે કેલ્સિયમ, ફોસ્ફરસ, લોહ અને વિટામિન C જેવા તત્ત્વોથી ભરપૂર હોય છે. આ વૃક્ષ લીંબુના કુળનું છે. તે સાઈટ્રીક, ઓકઝેલિક, મેલિક અને ટેનિક એસિડથી ભરપૂર હોય છે. જે પાન ની સુગંધ તમે લીધી હતી, એના માંથી વરિયાળી જેવી સુગંધ આવતી હતી ને. પણ વળિયારી એ જીરાના કુળની વનસ્પતિ છે અને આ બંનેઓના કુળ એકબીજાથી બહુ દૂર છે. તો પછી કોઠાના પાનમાંથી વરિયાળી જેવી સુગંધ કેવી રીતે આવે છે. શું તે બન્નેમાં કોઈ સમાનતા છે? આ પ્રશ્નનો જવાબ તો તમનેજ શોધવો પડસે.
સ્ટેશન ૧૫
કોઠું


બોરસલી એ સુંદર અને નાનું ભારતીય ઉપખંડનું સ્થાનિક વૃક્ષ છે. તેના શંકુ મુગટ જેવા આકાર, ઘાટાં લીલા ચમકદાર પાનાં, તથા તારા જેવા આકારનાં તીવ્ર સુગંધવાળાં પુષ્પોને કારણે તેને સુશોભન માટે રોપવામાં આવે છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ માઈમુસુપ્સ ઇલેન્જી છે જે ગ્રીક શબ્દો માઇમો અને ઓપસીસ પરથી રાખવામાં આવ્યું છે જેનો અર્થ વાનર જેવા આકારનું એવો થાય છે કારણકે તેનાં પુષ્પો વાનરના મોઢાં જેવા દેખાય છે. ઇલેન્જી એ મલયાલી શબ્દ છે. ત્યાંનાં લોકો ને એલેનગી બોલાવે છે. આ મૌલશરી નામથી પણ ઓળખાય છે જેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં થયો છે. કાલિદાસના સુપ્રસિદ્ધ નાટક શાકુંતલમાં પણ સુંદર પુષ્પો ધરાવતી વનસ્પતિઓમાં આનું ઉલ્લેખ છે. વિશ્વની સૌથી મજબૂત લકડામાં બોરસલી નું સમાવેશ થાય છે. એટલેજ એને અંગ્રેજીમાં બુલેટ વૂડ ટ્રી પણ કહવાય છે.
સ્ટેશન ૧૬
બોરસલી


શું તમે વનસ્પતિના જમીનમાં ઊગતા ભાગને જાણો છો? હા બરાબર.. એ મૂળ છે. પણકેટલીક વખત ભૂમિગત પ્રકાંડની પેશિયો ખોરાકનો સંગ્રહ કરે છે અને તેને કંદ તરીકે ઓળખવામાં આવે છે. બીટ, સક્કરિયાં, જંગલી ડુંગળી, બટાટા એ કંદનાં આ બધા ઉદાહરણ છે. તમારી સામેનો વિભાગ કંદ વિભાગ છે જેમાં અનેક કંદમૂળ વનસ્પતિઓ જોવા મળે છે.
હલુંદ એ એમાંની એક વનસ્પતિ છે. કેટલાક દાયકાઓ પહેલાં ડાંગના લોકો દ્વારા આ વનસ્પતિનાં કંદ રોજબરોજ વપરાશમાં લેવામાં આવતા હતા. પરંતુ તબીબીક્ષેત્રે આધુનિકીકરણનાં કારણે પેઢીઓ પછી આ વનસ્પતિનો ઉપયોગ ઘટી ગયો. આ વનસ્પતિ ખોરાક તરીકે અને પોષકતત્ત્વોનો સ્રોત હતી. પાનમાંથી શાકભાજી અને બીજમાંથી દાળ બનાવવામાં આવતી હતી. તેનાં મૂળ સ્ત્રીની પ્રજનનશક્તિ ની ક્ષમતા માં ખૂબ ઉપયોગી હતા. આ માહિતી આ વિસ્તારનાં સ્થાનિક વનસ્પતિનાં જાણકાર એવા લાસુભાઈ અને કાસુભાઈએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વનસ્પતિ વિભાગ ના પ્રોફેસર, પ્રોફેસર નાગરને જણાવી જેથી વનવિભાગ અને તેમની ટીમ આ વનસ્પતિને તેના સ્થાનિક નિવાસમાં સંરક્ષણ કરવામાં સફળ થઈ છે. તેઓએ સ્થાનીક લોકોમાં આ વનસ્પતિના રોજિંદા ઉપયોગ વિશે જનજાગૃતિ પણ કરી છે. અને આ કંદ ને ફરીથી ઉપયોગ માં લાવવામાં આવ્યું છે.
સ્ટેશન ૧૭
ટ્યુબર (કંદ) પ્લોટ


કંદ વિભાગથી બહાર નીકળતા આંશિક રૂપથી પાનખર એવા ભૂખરી છાલ અને સુંદર પાનવાળાં ૬૦-૭૦ ફૂટ ઊંચાઈ ધરાવતાં મોટાં વૃક્ષો દેખાય છે. આ વૃક્ષો ઘણીવાર આપણાં શહેરોના રસ્તાપર અને તેની બાજુમાં જોવા મળે છે. મે થી ઓગસ્ટ મહિનાઓમાં આ વૃક્ષમાં પીળા પુષ્પો આવે છે. જૂનાં કાટવાળાં તાંબા જેવા રંગની ફળીઓના કારણે ભારતમાં આ વૃક્ષ તામ્રફલી તરીકે અને અંગ્રેજીમાં કોપર પોડ તરીકે ઓળખાય છે. આ વૃક્ષનો ઉદભવ શ્રીલંકા, અંદામાન, મલાયા અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં થયો છે. વૈજ્ઞાનિક નામ પેલટોફોરમ ટેરોકારપમ છે. જેમાં જાતિ પેલટોફોરમનો અર્થ ગ્રીક ભાષામાં ઢાલ ધારણ કરનાર એવો થાય છે કારણકે તેની ફળીઓ લાંબી ઢાલ જેવી જે જુલૂસના લોકો જેવી દેખાય છે. ટેરોકારપમનો અર્થ પાંખવાળાં બીજ એવો થાય છે.
સ્ટેશન ૧૮
તામ્રફલી


ફળ !! જ્યારે આ શબ્દ સાંભળીએ ને એટલે ટેબલ પર પડેલી ટોકરી તેમાં પડેલા કેળાં, સફરજન, અનાનસ, દ્રાક્ષ, પપૈયાં આ બદાજ ફાળોનું સ્વાદ મોંમાં અને ચિત્ર આપડી આંખોસામે આવી જાયે છે. પણ શું તમે ખરેખર જાણો છો કે એ ફળ છે શું? તે પુષ્પ પછી બીજાશયના પરિપક્વ થવા બાદ આવે છે. પ્રાગઐતિહાસિક કાળથી પાકની વનસ્પતિઓ આપણી મોટી ધરોહર રહી છે. નવીન પાષાણકાળ અને કાંસ્ય યુગ દરમ્યાન, લગભગ ૬૦૦૦ થી ૩૦૦૦ ઇ.સ. પૂર્વે ભૂમધ્યસાગરીય ફળો જેવાંકે ખજૂર, ઓલિવ, દ્રાક્ષ, અંજીર અને દાડમનું વાવેતર શરૂ થયું. લીંબુ, કેળાં જેવા ફળો, સફરજન અને પેરૂ, બદામ, જરદાળું, આલુ, ચેરી આ બધા પ્રકાર ના ફળો મધ્ય અને પૂર્વીય એશિયામાં ઉગાડવાનું શરૂ થયું. બ્લૂબેરી, બ્લેકબેરી, પેકન અને કિવી જેવાં ફળોને હાલમાંજ ઉગાડવાનું શરૂ થયું છે. ફળ વિભાગ તમારી સમક્ષ આ બધી વનસ્પતિઓની ઝાંખી કરાવશે.
સ્ટેશન ૧૯
ફ્રૂટ પ્લોટ


આ વૃક્ષના મહિમાને શબ્દોમાં વર્ણવવું શક્ય નથી પરંતુ આ મહિમાને અનુભવી શકાય છે. તમે તમારાં જીવનમાં કદાચ જ આટલું વિશાળ અને ભવ્ય વૃક્ષ જોયું હશે. આ વૃક્ષ ૧૫૦ વર્ષ જૂનું છે. ગુજરાતમાં આ એકમાત્ર વૃક્ષ છે જે તેના ૧૨૦૦ મીટર ઊંચાઈના કુદરતી નિવાસસ્થાનથી ઓછી ઊંચાઈવાળી જગ્યામાં ઊગી રહ્યું છે. આ પ્રાગવડ છે. કહેવાય છે કે ભગવાન બ્રહ્માએ જ્યારે બ્રહ્મજ્ઞાન આપ્યું ત્યારે તેને આ વૃક્ષના છત્ર દ્વારા શોષવામાં આવ્યું અને એ આ વૃક્ષનાં સ્તંભ મૂળ દ્વારા પૃથ્વીમાં સમાઈ ગયું. આથીજ આ વૃક્ષ સંતોનું પસંદગીનું વૃક્ષ રહ્યું છે. આધ્યાત્મિક મહત્ત્વ સિવાય પણ પ્રાગવડ યકૃતના વિકારો, ચાંદા અને રક્તપિત્તની સારવારમાં અસરકારક છે. પ્રાગવડના મહિમાનો અનુભવ કરવા તમે આ વૃક્ષની નીચે બેસો અને પોતાની શાખાઓમાંથી આ વૃક્ષ જે ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યું છે એ ઉર્જાનો અનુભવ કરો. તમે તમારી મરજી મુજબની કોઈ પણ શાખાને ગળે લગાવી શકો છો અને અનુભવી શકો છો કે કેવી રીતે વૃક્ષને ગળે લગાડવાથી તણાવ દૂર થઈ શકે છે. કહેવાય છે કે અનેક ઋષિઓએ જ્ઞાનપ્રાપ્તિ માટે આ વૃક્ષની નીચે તપસ્યા કરી હતી. અમારી ભલામણ છે કે તમે આ વૃક્ષ સાથે કેટલીક મૌન ક્ષણો વિતાવો અને પોતાની અંદર આ વૃક્ષની ઉર્જાને અનુભવો.
સ્ટેશન ૨૦
પ્રાગવડ


અમે આશા રાખીએ છીએ કે તમે વઘઇ વનસ્પતિ ઉદ્યાનની આ ઓડિયો સફરનો આનંદ લીધો હશે. આ માર્ગમાં આપણે દક્ષિણ વઘઇ વનસ્પતિ ઉદ્યાનની વનસ્પતિઓ અને વિભાગોની ચર્ચા કરી. તમને કદાચ એવું થતું હશે કે આ ઉદ્યાન કે જે ૨૪ હેક્ટરમાં ફેલાયેલું છે આમાં બસ આટલીજ રસપ્રદ વનસ્પતિઓ..?? ખરેખર એવું નથી. આ ઉદ્યાન ૧૦૦૦ થી વધારે વનસ્પતિઓની પ્રજાતિઓ ધરાવે છે. હું જાણું છું કે તમે ટૂંક સમય માટે આ ઉદ્યાનની મુલાકાત લીધી છે. શક્ય એટલા ઓછા સમયમાં અમે તમને આ ઉદ્યાનની ઝાંખી કરાવી છે. જો તમે થોડા વધારે સમય માટે અહીં રહો તો અમે તમને ઔષધીય વનસ્પતિઓની અને ઉત્તર વઘઇ વનસ્પતિ ઉદ્યાનની વનસ્પતિઓની બીજી સફર પર લઈ જઈ શકીએ છીએ. જ્યાં તમે એવી વનસ્પતિઓને મળશો કે જે ભારતીય ચિકિત્સા પધ્ધતિનું અભિન્ન અંગ રહી છે. સાથે સાથે ત્યાં ઓર્કિડસ કે જે તમારું આકર્ષણ બની શકે, શુષ્ક રણની વનસ્પતિઓની દુનિયા અને કેકટસ પણ છે. ડાંગ પ્લોટ તમને તેના ગીચ ઊંચાં વૃક્ષોથી આકર્ષિત કરશે. તમે ઉદ્યાનના ખાસ સદસ્યોને મળશો અને ઐતિહાસિક સંગ્રહને પણ જોઈ શકશો. આવી બીજી સફરોની વધારે માહિતી માટે કૃપા કરીને કાર્યાલયનો સંપર્ક કરો.
દક્ષિણ ડાંગ વન વિભાગ વઘઇ વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત બદલ આપ સૌનો આભાર માને છે.
જય હિન્દ, જય ભારત.
સ્ટેશન ૨૧
એંડ નોટ



Get in touch...
© 2026 Krishnparn.in All Rights Reserved
All content (including but not limited to text/words, photographs, videos and audios) on this site is the original work of Krishna Singh Rajput and CANNOT be used/copied without prior written permission and giving due credits. Anyone caught copying content from any page on this site (whether in part or whole) shall face severe repercussions.