Welcome to the KSR's Literary Universe

રૂટ ૨
વઘઇ વનસ્પતિ ઉદ્યાનના ઔષધીય વનસ્પતિ
રૂટ 2 તમને વાઘાઈ બોટાનિકલ ગાર્ડનના ઔષધીય હૃદયની ઊંડાઈમાં લઈ જાય છે, જ્યાં સદીઓથી તેની ઉપચારાત્મક શક્તિઓથી સમુદાયોને જીવનદાયી બનાવનારા ઔષધીય પૌધાઓ પર કેન્દ્રિત છે. મેડિસીનલ પ્લોટથી શરૂ થઈને આરોગ્યવન વિભાગમાંથી પસાર થતો આ માર્ગ હરડે, સરગવો, મધુનાશિની, સર્પગંધા, કોકમ, રક્તચંદન, મરડાસિંગ, કારવી, જ્યોતિષ્મતી અને પવિત્ર સીતા અશોક જેવી શક્તિશાળી પ્રજાતિઓને પ્રકાશિત કરે છે. દરેક સ્ટેશન પ્રાચીન ઉપચારોની કથાઓ ખોલે છે—મધુમેહ નિયંત્રણથી લઈને તાવ નિવારણ, સાપના ડંખના વિષનાશક અને માનસિક સ્પષ્ટતા સુધી—જે લોકવનસ્પતિશાસ્ત્ર, ઔષધવિજ્ઞાન અને સ્થાનિક લોકકથાઓનું મિશ્રણ છે. એંડનોટ સુધી પહોંચતા તમે પ્રકૃતિની ઔષધશાળા પ્રત્યે ગાઢ સમ્માન સાથે ઉભરો છો, જ્યાં દરેક પાંદડું અને મૂળ પેઢીઓના જ્ઞાનને ધારણ કરે છે.
પરિચય
નમસ્કાર મિત્રો! આપ સૌનું વઘઇ વનસ્પતિ ઉદ્યાનમાં સ્વાગત છે. પેલી મે ૧૯૬૬ના રોજ તત્કાલીન વનઅધિકારીઓ ઉદ્યાન અધિક્ષક, વિજ્ઞાનિયો અને વિદ્વાનો દ્વારા આ ઉદ્યાનની સ્થાપના થઈ હતી જે ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન છે. શું તમે વિચાર્યું છે કે વનસ્પતિ ઉદ્યાન બીજા ઉદ્યાનોથી કઈ રીતે અલગ છે? વનસ્પતિ ઉદ્યાન બીજા ઉદ્યાનોથી જુદાં છે કારણકે તેનો પ્રાથમિક હેતુ જુદી જુદી પ્રજાતિઓની વનસ્પતિઓનું જીવિત સંગ્રહ, સંરક્ષણ અને સંવર્ધન છે. આ વિદ્યાર્થીઓ, વિદ્વાનો, વનકર્મીઓ તથા વનસ્પતિમાં રુચિ રાખતાં સામાન્ય લોકો માટે વનસ્પતિશાસ્ત્રનું પ્રશિક્ષણ કેન્દ્ર છે.
સામાન્યપણે લોકોને બધાં જ વૃક્ષોને એવી રીતે જુવે છે જાણેકે તે બધાંજ સરખાં હોય, પરંતુ એ એકબીજાથી અલગ કયા પ્રકારે છે, તેમનો શું ઉપયોગ છે એ તમને વનસ્પતિ ઉદ્યાનમાં જોવા, જાણવા અને સમજવા મળે છે.
ભારતની પાસે પ્રાકૃતિક વિવિધાતાનો સમૃદ્ધ વારસો છે. દુનિયાના ૧૭ મેગાડાયવર્સ દેશોમાં ભારત એશિયામાં ચોથું અને દુનિયામાં દસમું સ્થાન ધરાવે છે. વિશ્વભરની ૧૧% વનસ્પતિઓ ભારતમાં જોવા મળે છે, જેમાં ૧૭૫૦૦ સપુષ્પી, ૬૨૦૦ સ્થાનિક અને ૭૫૦૦ ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તદઉપરાંત વિશ્વની ભયગ્રસ્ત એવી ૨૪૬ વનસ્પતિઓ પણ છે. આટલી બધી વનસ્પતિઓની વિવિવધાતા વિશ્વના ફક્ત ૨.૪% ભૂમિ ભાગમાં આવેલી છે.
ભારતમાં અંદામાન-નિકોબાર દ્વીપસમૂહો, પૂર્વીય હિમાલય, ઇન્ડો-બર્મા ક્ષેત્ર અને પશ્ચિમ ઘાટ એવા ચાર જૈવવિવિધતાના હોટસ્પોટ્સ આવેલા છે. પશ્ચિમ ઘાટનો ઉત્તરીય પ્રદેશ ગુજરાતનાં ડાંગના જંગલોથી શરૂ થાય છે જે વાંસ માટે પ્રખ્યાત છે.
ભારતના જંગલોને વર્ગીકૃત કરવાની સૌ પહેલા પહેલ ૧૯૩૬ માં ચેમ્પિયને કરી અને ૧૯૬૮ માં શેઠે તેની સમીક્ષા કરી. તેમણે ભારતમાં જંગલોને ઉષ્ણકટિબંધ થી આલ્પાઇન સુધી ૬ પ્રમુખ ખંડો અને ૨૦૦ થી વધારે ઉપખંડોમાં વર્ગીકૃત કર્યા. ચેમ્પિયન અને શેઠના વર્ગીકરણનાં આધારે ઉદ્યાનમાં સદાહરિત, અર્ધપાનખર, પાનખર તથા કાંટાળા જંગલોના અલગ અલગ વિભાગ છે. આ ઉપરાંત ડાંગ પ્લોટ, વાંસ પ્લોટ, કેકટસ અને ઓર્કિડ પ્લોટ જેવા વિવિધ પ્લોટસપણ જોવા મળે છે. ઉદ્યાન હરડે રોડ, રેઇન ટ્રી રોડ, નિલગિરી, બોરસલી, કોઠું રોડનાં ૭.૫ કિલોમીટરનાં લાંબા રસ્તાઓ જાળતંત્રથી જોડાયેલું છે.
હવે તમને વધુ રાહ ન જોવાડાવતા તમને લઈ જઈએ છીએ વનસ્પતિની સફર પર. આવો પ્રકૃતિની તરફ પાછાં જઈએ, પ્રકૃતિથી પ્રેમ કરીએ અને વનસ્પતિની દુનિયામાં છૂપાયેલા ખજાનાને જાણીએ વઘઇ વનસ્પતિ ઉદ્યાનના ઔષધીય વનસ્પતિયો સાથે.
સ્ટેશન ૦૦
પરિચય


પ્રાચીન કાળથી જ ઔષધીય વનસ્પતિઓ માનવજાતના આરોગ્યને જાળવવામાં અને સુખાકારી બનાવાવમાં અગત્યની ભૂમિકા ભજવે છે. પહેલાના સમયથી અનેક ચિકિત્સા પધ્ધતિઓ વિશ્વના જુદાં જુદાં ભાગોમાં ફૂલી ફાલી રહી છે જેમકે ચીન, ગ્રીસ, યુરોપ, આફ્રિકા વગેરેની પધ્ધતિઓનું સમાવેશ થાય છે
ભારતમાં અન્ય પ્રાકૃતિક સંસ્થાનોની સાથે સાથે વનસ્પતિઓની પણ પૂજા કરવામાં આવે છે. આનું વર્ણન વેદો, પુરાણો, સંહિતાઓ અને ઉપનિષદોમાં પણ જોવા મળે છે. અષ્ટાંગ હ્રદય ની એક કથા અનુસાર ભગવાન બ્રહ્માએ એકવાર પોતાનાં શિષ્ય જીવકને એક એવી વનસ્પતિ શોધી લાવવા કહ્યું કે જેનું કોઈપણ ઔષધીય ઉપયોગ ન હોય. ૧૧ વર્ષો સુધી શોધવા છતાં એમને એક પણ એવી વનસ્પતિ ન મળી કે જેનો કોઈ ઔષધીય ઉપયોગ ન હોય. આથી ભગવાન બ્રહ્માએ એમને સર્વશ્રેષ્ઠ ચિકિત્સક પુરસ્કારથી સન્માનિત કર્યા. આ વાર્તા જણાવે છે કે પૃથ્વી પરની દરેક વનસ્પતિનું કોઈ ને કોઈ ઔષધીય મહત્વ જરૂર છે.
ઉદ્યાનનો ઔષધીય પ્લોટ ભારતની આયુર્વેદ અને યોગ, ગ્રીસની યુનાની, દ્રવિડિયનની સિદ્ધ અને જર્મનીની હોમિયોપેથી જેવી વિવિધ હર્બલ પ્રણાલીઓને એકીકૃત કરે છે. આ પ્રણાલીઓને ભારત સરકાર દ્વારા આયુષ તરીકે ઓળખવામાં આવે છે અને આપણી પ્રાચીન દવાઓની પ્રણાલીઓના ગહન જ્ઞાનને પુનર્જીવિત કરવાના વિઝન સાથે ભારત સરકારે આયુષ મંત્રાલયની સ્થાપના કરી.
અહીં નાના નાના પોકેટ્સ છે, કે જેમાં એક જ પ્રજાતિના અનેક છોડ લગાડવામાં આવ્યા છે. છોડનાં સામાન્ય નામ તથા વૈજ્ઞાનિક નામ અને ઉપયોગ એના પર લાગેલા બોર્ડ પર આપવામાં આવેલ છે. ઔષધીય વનસ્પતિનાં ત્રણ બીજા પ્લોટસ છે : આરોગ્યવન ઔષધિ, ક્ષુપ અને ઝાડ.
અહીં ચિત્રક, તુલસીની પ્રજાતિઓ, અનંતમૂળ, ધાયતી, લીચી, જ્યોતિષ્મતી, અપરાજીતા, શતાવારી, અશ્વગંધા, સાલપર્ણી, મહુડો અને ફણસ જેવી વનસ્પતિઓ છે. આમાંથી આપણે ભારતીય ઔષધીય પ્રણાલીની કેટલીક રોચક અને મહત્વપૂર્ણ વનસ્પતિઓથી વાકેફ થઇશું.
પરંતુ ઔષધીય પ્લોટમાં પ્રવેશતા પહેલા શું તમે એ વૃક્ષોનું અનુમાન લગાવી શકો છો જે રેન ટ્રી રોડની ડાબી બાજુ માર્ગ પર સમાંતરે લગાવેલા છે? સ્પષ્ટ છે કે આપણે ત્યાં જઈને જોવું પડશે.
સ્ટેશન ૦૧
મેડીસીનલ પ્લોટ


આ વૃક્ષને ઓકટોબર થી ડિસેમ્બરમાં ફળ આવે છે. જમીન પર આનાં ફળ પડેલા હશે, આ ફળ જુઓ અને ઓળખવાનો પ્રયત્ન કરો. હજું નથી ઓળખાતું? આ ફળ ત્રિફળા ચૂર્ણનો એક ઘટક છે. આ ફળ કોમ્બરેટેસી કુળનું છે કે જેના બીજા સદસ્યો જેવાકે અર્જુન, બહેડા, બદામ વગેરે છે. આ હરડેનું વૃક્ષ છે. તમે જમવા બાદ આનું સેવન પાચન માટે કરેલું હશે. મૂળ ભારતીય ઉપખંડનું આ વૃક્ષ જંતુનાશક, રેચક, મૂત્રવર્ધક અને વાતહર ગુણધર્મો ધરાવે છે. આ તાવ, હ્રદયરોગો, અતિસાર, મરડો અને પાંડુરોગની સારવારમાં વાપરાય છે તથા ટેનીનના મુખ્ય સ્ત્રોતોમાંથી એક છે.
સ્ટેશન ૦૨
હરડે


શું તમે આ ઝાંખા પીળા રંગની ખાંચવાળી અને લીસી છાલ ધરાવતા વૃક્ષને ઓળખી શકો છો? આના સુંદર સફેદ પુષ્પો લાંબી લીલી શિંગોમાં પરિણમે છે. આ છે સૌની પસંદનું અને ઔષધી તરીકે ખૂબ ઉપયોગી વૃક્ષ એવો સરગવો. આનું વૈજ્ઞાનીક નામ મોરીંગા ઓલીફેરા, જે તમિલ ભાષામાં વળેલી શિંગો મતલબ મૂરુંગાઈ શબ્દ પરથી આવ્યો છે. જ્યારે ઓલેઇફેરા નો અર્થ તેલ ઉત્પન્ન કરતું એવો થાય છે. આ વૃક્ષનું મૂળ દક્ષિણ હિમાલય છે જ્યાંથી તે આખા ભારત અને બીજે બધે ફેલાયું. આ વૃક્ષ નારંગી કરતાં સાત ગણું વિટામીન C, અને કેળાં કરતાં પંદર ગણું પોટેશિયમ, ગાજર કરતાં દસ ગણું વિટામીન A અને પાલક કરતાં પચ્ચીસ ગણું લોહતત્વ ધરાવે છે. દરેક એના બીજ ખાય છે, પણ શું તમે કોઈ દિવસ એના પાન ખાધાં છે? અને શું તમે જાણો છો કે આપણી પ્રિય સ્વિસ ઘડિયાળનું ચેઇન ઓઇલ એ બીજું કઈ નહીં પરંતુ મોરીંડા ઓઇલ છે.
સ્ટેશન ૦૩
સરગવો


શું તમે ઔષધીય પ્લોટની જાળી પર ચડી રહેલી વેલ ને જાણો છો? આ જાદુઇ વનસ્પતિ છે. આ તમારી ચાખવાની ગ્રંથિઓને નિષ્ક્રિય કરી દે છે. એક પાન તોડો અને તેને ચાવી જુઓ. ચાવ્યાં બાદ જો તમારી પાસે કેન્ડી કે ચોકલેટ જેવું મીઠું કઈક હોય તો ખાઈ જુઓ.
આ વનસ્પતિ મધુનાશીણી છે. તે શર્કરાની અસરને નાબૂદ કરે છે. આથી આ વનસ્પતિનું આયુર્વેદમાં ખૂબજ મહત્વ છે. આ વનસ્પતિ લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે, આથી ડાયાબિટીસની આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવાય છે. ચાવ્યાં બાદ થોડા સમય માટે તમે કંઇપણ સ્વાદ નહીં અનુભવી શકો. જો તમે હજુ સુધી નથી અજમાવ્યું તો હવે કરી જુઓ.
સ્ટેશન ૦૪
મધુનાશિની


આ પુત્રંજીવા છે. આ વૃક્ષનું મૂળ ભારત અને શ્રીલંકા છે. આ વૃક્ષના બીજ બાળકોને તેમનાં માતાપિતા ગળામાં પહેરાવે છે. આવું કરવા પાછળ એમને એવો વિશ્વાસ હોય છે કે આ બીજ નકારાત્મક શક્તિઓને દૂર કરશે અને રક્ષા કરશે તથા સમૃધ્ધિ અને ખુશાલી લાવશે.
ઔષધીય મહત્વ ધરાવતા આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ પુત્રંજીવા રોક્સબર્ઘાઈ આના સ્થાનિક નામ પુત્રંજીવા પરથી લેવામાં આવ્યું છે. જેમાં પુત્ર શબ્દ સંસ્કૃતમાંથી આવ્યું છે અને જીવા નો અર્થ થાય છે જીવન. આ વનસ્પતિ મોઢા અને પેટના ચાંદામાં, માસિકચક્રના નિયમન અને પુરુષોમાં ફળદ્રુપતા વધારવા વપરાય છે. આ વૃક્ષમાં માર્ચ થી મે મહિના સુધી પુષ્પો આવે છે. આનાં ફળને પાકવામાં લગભગ એક વર્ષ જેટલો સમય લાગે છે.
સ્ટેશન ૦૫
પુત્રંજીવા


મૂળ દક્ષિણ-પૂર્વીય એશિયાનું આ વૃક્ષ પહેલીવાર પંદરમી સદીમાં યુરોપ લાવવામાં આવ્યું હતું. આને લંબગોળ લીસા પાન અને નળી આકારના સફેદ પુષ્પો હોય છે. પીળા રંગના ફળ ૫-૮ તકતી આકારના બીજ ધરાવે છે. આ બીજ મુખ્યત્વે સ્ટ્રીકનીન આલ્કલોઇડ ધરાવે છે, જે ઘાતક ઝેર છે અને સ્નાયુઓમાં તીવ્ર ખેંચાણ ઉત્પન્ન કરે છે. પહેલાના સમયમાં પ્રાણીઓનું શિકાર કરવાહેતુ આનું જેર તીર પર લગાવામાં આવતું હતું.
આપણને વિચાર આવે કે જો આ આટલું ઝેરી વૃક્ષ છે તો ઔષધીય કેવી રીતે હોઇ શકે? ખરેખર તે બાહ્ય ઉપયોગમાં લેવામાં આવે છે. તે દુખાવામાં આરામ મેળવવા તથા જુદી જુદી ગાંઠોની સારવારમાં બાહ્ય રીતે ઉપયોગમાં લેવાય છે. આ વનસ્પતિ પાચનને લગતી સમસ્યાઓ, શરદી, ચિડચિડાપણું અને ઉદાસીનતાની સારવારમાં હોમિયોપેથિક ઉપચારમાંપણ વપરાય છે. ચેતવણી: કૃપયા ડોક્ટરની સલાહ વિના આ વનસ્પતિ ઉપયોગમાં લેવી નહીં.
સ્ટેશન ૦૬
ઝેરકોચલુ


સર્પગંધા અથવા ઇંડિયન સ્નેક રુટ ઉત્તરીય અને ઉત્તર-પૂર્વીય એશિયાનું મૂળ વતની છે. એવું માનવામાં આવે છે કે આ વનસ્પતિ જ્યાં ઉગાડવામાં આવે છે ત્યાં સાપ નથી આવતા તથા સાંપના ઝેરની અસર દૂર કરવા માટે વપરાય છે. ચરક સંહિતામાં માનસિક બીમારીઓ તથા અનિંદ્રાની સારવાર માટે આનો ઉલ્લેખ થયેલ છે. આના મૂળ આલ્કલોઇડ રેસરપિન ધરાવે છે. રેસરપિન ઊંચાં બ્લડ પ્રેશરને ઓછું કરવા તથા માનસિક બિમારીઓના લક્ષણોને ઓછા કરવા વ્યાપક રીતે વપરાય છે.
સ્ટેશન ૦૭
સર્પગંધા


તમારી સામેના વૃક્ષના ફળને ખાટી આંબલીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શું તમે અંદાજો લગાવી શકશો કે આ શું છે? આ કોકમ છે. અંગ્રેજીમાં આને ગોવા બટર ના નામથી ઓળખવામાં આવે છે. આ વૃક્ષમાં નવેમ્બર થી ફેબ્રુઆરી મહિનામાં ફૂલ તથા માર્ચ થી મે મહિનામાં ફળ આવે છે. ભારતીય મૂળનું આ વૃક્ષનું મહારાષ્ટ્ર અને ગોવામાં ખાટી આંબલીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફળનો ગર્ભ રસદાર હોય છે જેને કોકમ બટર કહે છે. સામાન્ય તાપમાનમાં તે કઠણ હોય છે, જેનો ચોકલેટ અને ચીનમાં મીઠાઇ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. આ મલમ, ત્વચા તથા વાળને લગતી બનાવટોમાં વપરાય છે. ફળને સાકર સથે મેળવી રાખી અને પછીથી તેમાં પાણી ઉમેરી પીણાં તરીકે વહેંચી શકાય છે. ફળનો અર્ક કોંકણી ભાષામાં અગુલ કહેવાય છે. એક રિસર્ચ અનુસાર, આનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે. તો ચાલો આપણે આંબલીના બદલે આનો ઉપયોગ કરીએ?
સ્ટેશન ૦૮
કોકમ


મૂળ દક્ષિણ-પૂર્વીય એશિયાના આ વૃક્ષનું લાકડું લાલ રંગનું અને કાળા ધાબાવાળું દાણાદાર હોય છે. આ એ વૃક્ષ છે જેને તમે ફિલ્મોમાં જોયેલું છે. હા... આ રક્ત ચંદન છે . ગેરકાયદેસર રીતે કાપણી અને દાણચોરીએ આ વૃક્ષને ભયગ્રસ્ત વનસ્પતિઓની પ્રજાતિઓમાં ધકેલી દીધું છે. આનું લાકડું ખીલ, ડાઘ અને અન્ય ચામડીના રોગોમાં વાપરાય છે. તે લોહીને શુદ્ધ કરે છે તથા જ્વરનાશક અને પરસેવો લાવનારું પણ છે. તે લોહીના વિકારો અને સોજામાં ઘણું ઉપયોગી છે. જો આ વૃક્ષનું યોગ્ય સંરક્ષણ નહીં કરવામાં આવે તો એવું પણ બની શકે કે આવનારી પેઢી આ વૃક્ષને ફક્ત ફિલ્મમાં જ જોઈ શકશે.
સ્ટેશન ૧૦
રક્તચંદન


તમે ક્યારેય સફેદ પથ્થર જેવા બીજને ખરબચડી સપાટી પર રગડી અને તમારા મિત્રોને એના સ્પર્શથી ડરાવ્યા છે? શું તમારી આવી કોઈ બાળપણની યાદો છે? જો નથી તો એવી યાદગીરી તમે અત્યારે બનાવી શકો છો. આ વનસ્પતિ વિવિધ નામોથી ઓળખાય છે. તે જુદાં જુદાં પ્રકારના તાવની સારવારમાં વપરાતી હોવાથી અંગ્રેજીમાં ફીવર નટ તરીકે ઓળખાય છે. આ લતા સ્વરૂપનું ક્ષુપ છે જે દરિયાકિનારા પર જોવા મળે છે. આનાં બીજ પથ્થર જેવા હોવાથી હિન્દીમાં સાગરગોટા કે સાગરગોટી તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં આને કાંકચીયો કહે છે કારણકે આનાં બીજ કાગડાનાં ઈંડા જેવા દેખાય છે.
ફળ જ્વરનાશક અને શક્તિવર્ધક છે. બીજના તેલનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને કાન વહેતું હોય ત્યારે કરવામાં આવે છે. આનાં બીજ ખારા અને તાજા પાણી સામે ટકાઉ અને તરતા હોવાથી સમુદ્રની લહેરો સાથે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ફેલાય છે.
સ્ટેશન ૧૦
કાંકચિયો


શું તમે તમારી સામેના ઝાડની શીંગોને જોઈ રહ્યા છો? તે કોના જેવી લાગે છે? આનું સ્થાનિક નામ છે મરડાશીંગ-જેવું નામ એવું કામ. પેટમાં પેદા થતી મરોડને સરખી કરવા આ ઝાડ ઘણું ઉપયોગી છે. આનું વૈજ્ઞાનિક નામ હેલિકટેરિસ આઈસોરા, વળેલા અને સ્ક્રૂ જેવા દેખાતા ફળોનું વર્ણન આપે છે અને તેથી તે અંગ્રેજીમાં ઈન્ડિયન સ્ક્રૂ ટ્રી તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના ફળ અને મૂળ એશિયા, ઇરાક અને દક્ષિણ આફ્રિકાની પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓમાં વપરાય છે. તે એન્ટિઓક્સિડેન્ટ, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઈબર, કેલ્સિયમ, ફૉસ્ફરસ અને લોહતત્ત્વથી ભરપૂર હોય છે. તે જઠરાંત્રિય ખામીઓ, ડાયાબિટીસ, કેન્સર અને ચેપની સારવારમાં વપરાય છે.
સ્ટેશન ૧૧
મરડાશીંગ


આ નાનું વૃક્ષ જાવા, દક્ષિણ-મધ્ય ચીન અને પાકિસ્તાનનું મૂળ વતની છે. આને બ્લેક કરંટ ટ્રી કહેવાય છે. આ એક દીર્ધાયુ, છાંયડામાં ઊગતી વનસ્પતિ છે જે ગીચ વૃક્ષોની ઘટા નીચે જોવા મળે છે. તેના પાન અને ફળના જુદાં જુદાં વિસ્તારમાં જુદાં જુદાં ઉપયોગો છે. લુઆંગ પ્રબાંગ, લાઓસમાં ફૂગથી બનાવેલા સૂપમાં ખાટો સ્વાદ મેળવવા પાન ઉમેરવામાં આવે છે. ઉત્તર-પૂર્વીય કમ્બોડિયાના બુનોન્ગ લોકો કફની સારવારમાં આ વનસ્પતિ વાપરે છે. ઓરિસ્સાના આદિવાસી અને ગ્રામીણ લોકો કૂણાં પાનમાંથી શાક બનાવે છે. આ મીઠા સાથે તળવા કે બાફવામાં આવે છે જે ભાત સાથે પીરસવામાં આવે છે. પાનનો ઉપયોગ બાળકોના પેટના દુખાવા, પાચનને લગતી સમસ્યાઓ અને ડાયાબિટીસ માટે વપરાય છે.
સ્ટેશન ૧૨
બ્લેક કરંટ ટ્રી


મેડીસીનલ પ્લોટની સાથે, વઘઇ વનસ્પતિ ઉદ્યાનમાં વિવિધ રોગોની વનસ્પતિઓ નો એક બીજો ખાસ પ્લોટ છે ‘આરોગ્ય વન’. જેના ત્રણ વિભાગ છે હર્બ, શ્રબ અને ટ્રી મતલબ છોડ, ક્ષુપ અને વૃક્ષ. ભગત કુટીર થી શરૂ થઈને આરોગ્યવન વૃક્ષો પર પૂરું થાય છે. ડાંગમાં, ભગત પરંપરાગત રીતે ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરતા હતા. તેઓ વૈદ્ય અને હકીમો સમાન જ હતા. વનસ્પતિના પ્રકારના આધારે આરોગ્યવન ને છોડ, ક્ષુપ અને વૃક્ષના પ્લોટમાં વહેંચવામાં આવેલ છે. પહેલો વિભાગ છોડનો છે જે બલા, અતિબલા, મહાબલા અને નાગબલા જેવા છોડ ધરાવે છે જે શરીરને શક્તિ પૂરી પાડે છે. અહીં કેવડાની, તુલસીની પ્રજાતિઓ અને જલજામિની કે જે પાણીને જમાવી દે એવી પ્રજાતિ પણ છે. બીજા વિભાગમાં ભમ્મરચલ, કર્વી અને દમવેલ જેવા ક્ષુપ છે અને છેલ્લા વિભાગમાં ઔષધીય વૃક્ષો છે. અમે તમને તમારા જ્ઞાનને વધારવા શક્ય હોય એટલી વધુમાં વધુ વનસ્પતિઓની મુલાકાત લેવાણી ભલામણ કરીએ છીએ.
સ્ટેશન ૧૩
આરોગ્યવન


લીલી-કથ્થાઇ છાલ ધરાવતું આ વૃક્ષ ગુજરાતીમાં ભમ્મરછલ, હિન્દીમાં કાલા બછનાગ અને અંગ્રેજીમાં બ્રાઈડલ કોચ ટ્રી તરીકે ઓળખાય છે. આ વૃક્ષની છાલ પરંપરાગત રીતે દવાઓ બનાવવામાં ઉપયોગી છે જે બંધક, જ્વરનાશક અને એન્ટિપિરીઓડિક છે. તે સ્કોપોલેટિન અને ખૂબ કડવું ગ્લાયકોસાઈડ ધરાવે છે. તેનો ઉપયોગ પાચન, અંત:સ્ત્રાવી, પ્રજનન અને શ્વસનતંત્રને લગતી બિમારીઓમાં થાતો હોય છે. ઉપરાંત તેમાં જઠરાંત્રિય અને મૂત્ર માર્ગને લગતા ચેપનો ઈલાજ કરવાનાપણ ગુણ છે.
સ્ટેશન ૧૪
ભમ્મરછાલ


આ વનસ્પતિ મૂળ ભારતની છે, જેમાં જાન્યુઆરી થી માર્ચ દરમ્યાન પુષ્પો આવે છે. આ મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે. થડ વાંકું અને નાનું તથા ફાટેલી ઘેરા કથ્થાઇ રંગની છાલ છે. આંખને લગતી સમસ્યાઓની સારવારમાં તેના મૂળના રસ ને બે મરીના પાઉડર સાથે મેળવીને લેવામાં આવે છે. છાલ માંથી બનાવેલ મલમ ઘા અને ચીરા પર લગાડવામાં આવે છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ઉજેનિયા ઉજેનેન્સીસ એ ઉજ્જૈન શહેર પરથી આપવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે જ્યારે આનાં ફૂલ ખીલે છે ત્યારે જમીન પર સફેદ ચાદર પાથરેલી હોય એવું લાગે છે.
સ્ટેશન ૧૫
તણચ


હવે પછી આરોગ્યવનની વનસ્પતિમાં આવે છે કારવી. આદિવાસી લોકો આ વનસ્પતિનો ઉપયોગ સોજાને લગતી તકલીફોમાં કરે છે. પેટ ને લગતી તકલીફો માટે આના પાનનો રસ અસરકારક છે. આ ક્ષુપમાં જીવાણુનાશક અને આમવાતી ગુણો રહેલા છે. આ વનસ્પતિનું જીવનચક્ર ખૂબ રસપ્રદ છે. તે દરેક ચોમાસામાં જીવંત બને છે. પરંતુ જેમ ચોમાસું પૂરું થશે તે ફરીથી સૂકું અને મૃત દેખાવા લાગશે. આવું સાત વર્ષ સુધી થાય છે. અને જેવું તે આઠમા વર્ષમાં તેનો પરવેશ થાય છે. તે મોટા પ્રમાણમાં પુષ્પોથી ખીલી ઉઠશે . આનાં પુષ્પો ખૂબ આકર્ષક જાંબલી રંગના હોય છે.
સ્ટેશન ૧૬
કારવી


આપણા પ્રવાસમાં હવે પછીની વનસ્પતિ ભારતીય મૂળની એવી દમવેલ છે. આ વનસ્પતિનાં દેશી નામ મુજબ આ વનસ્પતિ અસ્થમા અને બીજી એલર્જીક પ્રતિક્રિયાઓની સારવારમાં વપરાય છે. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ ટાયલોફોરા ઇન્ડિકા છે. જેમાં જાતિ ટાયલોફોરાનો અર્થ ગાંઠ વાળું અને પ્રજાતિ ઇન્ડિકા ભારતીય મૂળ દર્શાવે છે. અસ્થમા વિરોધી ગુણ ઉપરાંત આ વનસપતિમાં સોજા, કેન્સર અને ઝાડા પ્રતિરોધી શક્તિ પણ આવેલી છે.
સ્ટેશન ૧૭
દમવેલ


લાંબી લીસી ડાળખીઓ થી ઉપર ચઢતું આ મોટું ક્ષુપ ભારતીય મૂળનું છે. તે લાલ-કથ્થાઇ રંગનું અને સફેદ શ્વસન છિદ્રો ધરાવે છે. છાલ, પર્ણો અને બીજ ઔષધીય છે. છાલ ગર્ભનિરોધ, અવક્ષયકારક અને મગજની શક્તિ વધારનાર છે. અફીમના વિષમારણ તરીકે પાનનો રસ એક સારો ઉપાય છે. બીજ નો તેલ સ્વાદે કડવું, ગરમ અને બુધ્ધિને વધારનારું છે. આ વેલ ગુજરતીમાં જ્યોતિસ્મતી, હિન્દીમાં માલકાંગણી, કન્નડમાં કારીગન્ની અને મલયાલમમાં કેરુપ્પુન્ના અને સંસ્કૃતમાં જ્યોતિષ્મતી તરીકે ઓળખાય છે. આનો ઉલ્લેખ આયુર્વેદના ભાવ પ્રકાશ નિઘંટુમાં જોવા મળે છે. આ વેલ ને નાના લંબગોળ ફળ આવે છે તેથી તેને સુક્ષ્મમફલા તરીકે ઓળખાય છે તેના બીજ માંથી નીકળતું તેલ પીળું હોવાથી પીત તૈલ તરીકેપણ તે ઓળખાય છે.
સ્ટેશન ૧૮
જ્યોતિષ્મતી


શું તમે અશોકવાટિકા વિશે સાંભળ્યું છે? જ્યાં રાવણે માં સીતાને બંદી બનાવી રાખ્યા હતા? અને એક અશોકારિષ્ઠ નામની દવાઈ વિશે જાણો છો? અને એક એવું ઝાડ કે જે દુ:ખને હારી લે શું તમે એના વિષયે જાણો છો? જી હા.. હું અશોક વૃક્ષ ની જ વાત કરું છું. અવાર નવાર આ વૃક્ષ ને એક લાંબા વૃક્ષ આસોપાલવની સાથે ભુલથી સરખાવાય છે. જેને અંગ્રેજીમાં ફોલ્સ અશોક કહેવાય છે. સાચું અશોક કે સીતા અશોક એ આ તમારી સામેનું વૃક્ષ છે. આ વૃક્ષ પર ડિસેમ્બર થી એપ્રિલ સુધી પીળા-નારંગી પુષ્પો આવે છે તથા ફળ આખું વર્ષ રહે છે. આ વૃક્ષ ભારત, શ્રીલંકા, મ્યાનમાર અને મલેશિયાનું મૂળ વતની છે. આ વનસ્પતિની છાલ નો ઉપયોગ સ્ત્રીરોગ જેવા કે ગર્ભાશય તથા માસિક સ્ત્રાવ સંબંધી સમસ્યાઓ માટે થાય છે. આનાં પુષ્પો નો ઉપયોગ હરસ, ખરજવું અને ચામડીના રોગોના ઈલાજ માટે થાય છે.
સ્ટેશન ૧૯
અશોક


આ વૃક્ષના મહિમાને શબ્દોમાં વર્ણવવું શક્ય નથી પરંતુ આ મહિમાને અનુભવી શકાય છે. તમે તમારાં જીવનમાં કદાચ જ આટલું વિશાળ અને ભવ્ય વૃક્ષ જોયું હશે. આ વૃક્ષ ૧૫૦ વર્ષ જૂનું છે. ગુજરાતમાં આ એકમાત્ર વૃક્ષ છે જે તેના ૧૨૦૦ મીટર ઊંચાઈના કુદરતી નિવાસસ્થાનથી ઓછી ઊંચાઈવાળી જગ્યામાં ઊગી રહ્યું છે. આ પ્રાગવડ છે. કહેવાય છે કે ભગવાન બ્રહ્માએ જ્યારે બ્રહ્મજ્ઞાન આપ્યું ત્યારે તેને આ વૃક્ષના છત્ર દ્વારા શોષવામાં આવ્યું અને એ આ વૃક્ષનાં સ્તંભ મૂળ દ્વારા પૃથ્વીમાં સમાઈ ગયું. આથીજ આ વૃક્ષ સંતોનું પસંદગીનું વૃક્ષ રહ્યું છે. આધ્યાત્મિક મહત્ત્વ સિવાય પણ પ્રાગવડ યકૃતના વિકારો, ચાંદા અને રક્તપિત્તની સારવારમાં અસરકારક છે. પ્રાગવડના મહિમાનો અનુભવ કરવા તમે આ વૃક્ષની નીચે બેસો અને પોતાની શાખાઓમાંથી આ વૃક્ષ જે ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યું છે એ ઉર્જાનો અનુભવ કરો. તમે તમારી મરજી મુજબની કોઈ પણ શાખાને ગળે લગાવી શકો છો અને અનુભવી શકો છો કે કેવી રીતે વૃક્ષને ગળે લગાડવાથી તણાવ દૂર થઈ શકે છે. કહેવાય છે કે અનેક ઋષિઓએ જ્ઞાનપ્રાપ્તિ માટે આ વૃક્ષની નીચે તપસ્યા કરી હતી. અમારી ભલામણ છે કે તમે આ વૃક્ષ સાથે કેટલીક મૌન ક્ષણો વિતાવો અને પોતાની અંદર આ વૃક્ષની ઉર્જાને અનુભવો.
સ્ટેશન ૨૦
પ્રાગવડ


અમે આશા રાખીએ છીએ કે તમે વઘઇ વનસ્પતિ ઉદ્યાનની આ ઓડિયો સફરનો આનંદ લીધો હશે. આ માર્ગમાં આપણે દક્ષિણ વઘઇ વનસ્પતિ ઉદ્યાનની વનસ્પતિઓ અને વિભાગોની ચર્ચા કરી. તમને કદાચ એવું થતું હશે કે આ ઉદ્યાન કે જે ૨૪ હેક્ટરમાં ફેલાયેલું છે આમાં બસ આટલીજ રસપ્રદ વનસ્પતિઓ..?? ખરેખર એવું નથી. આ ઉદ્યાન ૧૦૦૦ થી વધારે વનસ્પતિઓની પ્રજાતિઓ ધરાવે છે. અમે જાણીએ છે કે તમે ટૂંક સમય માટે આ ઉદ્યાનની મુલાકાત લીધી છે. શક્ય એટલા ઓછા સમયમાં અમે તમને આ ઉદ્યાનની ઝાંખી કરાવી છે. જો તમે થોડા વધારે સમય માટે અહીં રહો તો અમે તમને ઉત્તર અને દક્ષિણ વઘઇ વનસ્પતિ ઉદ્યાનની વનસ્પતિઓની બીજી સફર પર લઈ જઈ શકીએ છીએ. જ્યાં તમે મહોગની, રેઇન ટ્રી, શિવલિંગી અને વરિયાળી જેવી સુગંધ ધરાવતી વનસ્પતિઓને મળશો. સાથે સાથે ત્યાં ઓર્કિડસ કે જે તમારું આકર્ષણ બની શકે, શુષ્ક રણની વનસ્પતિઓની દુનિયા અને કેકટસ પણ છે. ડાંગ પ્લોટ તમને તેના ગીચ ઊંચાં વૃક્ષોથી આકર્ષિત કરશે. તમે ઉદ્યાનના ખાસ સદસ્યોને મળશો અને ઐતિહાસિક સંગ્રહને પણ જોઈ શકશો. આવી બીજી સફરોની વધારે માહિતી મેલળવા કૃપા કરીને કાર્યાલયનો સંપર્ક કરો.
દક્ષિણ ડાંગ વન વિભાગ વઘઇ વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત બદલ આપનો આભાર માને છે.
જય હિન્દ, જય ભારત.
સ્ટેશન ૨૧
એંડનોટ



Get in touch...
© 2026 Krishnparn.in All Rights Reserved
All content (including but not limited to text/words, photographs, videos and audios) on this site is the original work of Krishna Singh Rajput and CANNOT be used/copied without prior written permission and giving due credits. Anyone caught copying content from any page on this site (whether in part or whole) shall face severe repercussions.